ધ્યાન ધણી કેરું ધરવું

મીરાબાઈ

ધ્યાન ધણી કેરું ધરવું, બીજું મારે શું કરવું રે?

શું કરવું રે સુંદરશ્યામ, બીજાને મારે શું કરવું રે ?

નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,

ધ્યાન ધણીતણું ધરીએ રે;

સંસારસાગર મહાજળ ભરિયો રે વા’લા,

તારા ભરુંસે અમે તરીએ રે...બીજું.

સાધુજનને ભોજન જમાડીએ વા’લા,

જૂઠું વધે તે અમે જમીએ રે;

વૃંદા તે વનમાં રાસ રચ્યો રે વા’લા,

રાસમંડળમાં તો અમે રમીએ રે...બીજું.

હીર ને ચીર મને કામ ન આવે વા’લા,

ભગવાં પહેરીને અમે ભમીએ રે;

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,

ચરણકમળ ચિત્ત ધરીએ રે...બીજું.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz