હરિને ભજતાં હજી કોઈની લાજ

નરસિંહ મહેતા

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને…

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;

ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને…

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz