કાનુડો શું જાણે મારી પીડ?

મીરાબાઈ

કાનુડો શું જાણે મારી પીડ?

બાઈ અમે બાળ કુંવારા રે...કાનુડો શું જાણે.

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,

કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે... કાનુડો શું જાણે.

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,

સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે... કાનુડો શું જાણે.

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,

વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે... કાનુડો શું જાણે.

હું વૈરાગી કાના તમારા રે નામની રે,

કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે... કાનુડો શું જાણે.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે... કાનુડો શું જાણે.

[૭૯૫]

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz