મનડું વિંધાણું રાણા

મીરાબાઈ

મારું મનડું વીંધાણું રાણા, ચિતડું ચોરાણું, રાણા શું રે કરું ?

શું રે કરું ? વિષ પીધે ના મરું, હો રાણા શું રે કરું ? મારું૦

નિંદા કરે છે મારી, નગરીના લોક રાણા;

તારી શિખામણ હવે, મારે મન ફોક. રાણા શું રે કરું ?

ભરી બજારમાંથી હાથી હાલ્યો જાય રાણા;

શ્વાન ભસે છે તેમાં હાથી શું થાયે ? રાણા, શું રે કરું ?

ભૂલી રે ભૂલી હું તો, ઘરના રે કામ રાણા;

ભોજન ના ભાવે, નયણે નિંદ છે હરામ રાણા, શું રે કરું ?

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર વા'લા;

પ્રભુને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા, શું રે કરું ?

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz