શરદપૂનમ તણો દિવસ આવ્યો તિંહા, રાસ-મરજાદનો વેણ વાહ્યો;
રૂકમણિ આદિ સહુ નાર ટોળે મળી, નરસૈંયે તહાં તાલ સાહ્યો. -શરદ. ૧
પુરુષ પુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;
દેહદશા સૌ ટલી માંહે રહ્યો ભળી, દૂતી થઈ માનિનીને મનાવા. -શરદ. ૨
હાવને ભાવ રસભેદના પ્રીછિયા, અનુભવતા રસબસ રે થાતાં;
પ્રેમે પીતાંબર આપિયું શ્રીહરિ, રીઝિયા કૃષ્ણજી તાલ વા'તાં. -શરદ. ૩
વ્રજ તણી આદ્યલીલાનું દરશણ હવું, અરુણ ઉદયે શંખનાદ કીધો;
રૂકમણિ આદિ સહુ નારી ત્રપત થઈ, રામાએ કંઠથી હાર દીધો. -શરદ. ૪
'ધન્ય ધન્ય તું' એમ કહે શ્રીહરિ, 'નરસૈંયો ભક્ત હું-તુલ્ય જાણો;
વ્રજ તણી નારી જે ભાવ-શુ ભોગવે, તેહને પ્રેમ-શુ સહેજે માણ્યો.' -શરદ. ૫
આ ભજન શેર કરો