વારી વારી જાઉં રે

દાસી જીવણ

વારી વારી જાઉં રે;

મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે;

વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર

ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ?

અડસઠ તીરથ મારા ઘરને આંગણે,

નત તરવેણી ના’વું રે. - વારી

શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?

નાથ મારાનાં નેણાં નીરખી,

હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. - વારી

શામળા-કારણે સેજ બિછવું, પ્રેમથી પાવન થાઉં રે;

નાચું નાચું મારા નાથની આગળ,

વ્રજ થકી બોલાવું રે. - વારી

દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;

સતગુરુને ચરણે જાતાં

પ્રેમે પાવન થાઉં રે. - વારી

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz