વસ્તુ વિચારીને દીજીએ

ગંગાસતી અને પાનબાઈ

વસ્તુ વિચારીને દીજીએ

જોજો તમે સુપાત્ર રે,

વરસા સુધી અધિકારીપણું જોવું

ને ફેર ન રહે અણુમાત્ર રે ... વસ્તુ.

ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે,

ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,

ગુરુજીના વચનમાં આનંદ પામે

જે આવી લાગે એને પાય રે ... વસ્તુ.

એવા શુદ્ધ અધિકારી જેને ભાળો,

ને તેને કરજો ઉપદેશ રે,

ગંગા રે સતી એમ બોલિયાં રે

એને વાગે નહિ કઠણ વચનો લેશ રે ... વસ્તુ.

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,

ને રાખજો રૂડી રીત રે,

અજાણ્યા સાથે વાત નવ કરજો,

ને જેનું મન સદા વિપરીત રે ... સ્થિરતાએ.

આગળ ઘણાં મહાત્મા થઈ ગયા

ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,

એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો

ને ઉપજાવે અંતરમાં ખેદ રે ... સ્થિરતાએ

લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,

ને આસક્ત છે વિષયમાંય રે,

એવાને ઉપદેશ કદી નવ કરવો

ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે ... સ્થિરતાએ.

ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું

ને ચુકવો નહિ અભ્યાસ રે,

ગંગા સતી રે એમ બોલિયાં રે,

ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે ... સ્થિરતાએ.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz